રીકવરી કાર્યવાહી

Home » ધિરાણ »રીકવરી કાર્યવાહી

બેંકની લોન (ધિરાણ) સામાન્ય રીતે વાર્ષિક ધોરણે વ્યાજની ગણત્રી કરી તેના નક્કી થયેલ હપ્તાની સંખ્યા મુજબ વ્યાજ+મુદ્દલ મળી હપ્તો વસુલ લેવા પાત્ર થાય છે. જે તે વિસ્તાર માં પાકની પદ્ધતિ, પાક બજારમાં વેચાણ માટે કઈ મોસમમાં આવે છે, તેના આધારે બેંક દ્વારા વર્ષમાં બે તારીખો (છેલ્લી તારીખ) હપ્તો ભરવા માટે નક્કી કરવામાં આવેલી હોય છે. જે વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ જાન્યુઆરી અને જે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ માર્ચ હપ્તાની તારીખ નક્કી કરવામાં આવેલી છે.

બેંકની શાખાઓમાં દર વર્ષે ધિરાણના હપ્તાઓની ગણત્રી કરી તેનું ખાતેદાર દીઠ માંગણા પત્રક બનાવવામાં આવે છે.તેના આધારે હપ્તાની પાકતી તારીખ અગાઉ દરેક ખાતેદારને બેંકની લગત શાખાએથી હપ્તાની રકમ દર્શાવતી માંગણાની નોટીસ મોકલી આપવામાં આવે છે. શાખાઓ દ્વારા ખાતેદારોને હપ્તાની રકમ સમયસર-નિયમિત ભરપાઈ કરી આપવા માટે ટેલીફોનીક તથા રૂબરૂ સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં જો ખાતેદાર દ્વારા હપ્તાની રકમ પાકતી તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં ના આવે તો તે ખાતેદાર મુદતવીતી બાકીદાર ગણાય છે અને તેઓની સામે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ અનુસાર કાયદેસરના પગલા ભરી શકાય છે.

કાયદાની મુખ્યત્વે બે જોગવાઈઓ છે. તેમાં સહકારી કાયદાની કલમ-૧૩૪ અન્વયે બેંકના અધિકારીને વેચાણ અધિકારીની સત્તાઓ મળેલી છે. તે સત્તાની રુઈયે બેંકના અધિકારી ગીરોમાં રહેલ મિલકતનું હરાજીથી વેચાણની પ્રક્રિયા દ્વારા બેંકની મુદતવીતી રકમ વસુલ કરી શકે છે. જયારે સહકારી કાયદાની કલમ-૧૩૯ની જોગવાઈ અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા પ્રમાણપત્ર ઇસ્યુ થાય છે અને પ્રમાણપત્રમાં દર્શાવેલ મુદતવીતી રકમ જમીન મહેસુલી બાકી તરીકે વસુલ કરવાની થાય છે. સદર જીલ્લા રજીસ્ટ્રારના પ્રમાણપત્રના આધારે બેંકમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ ખાસ વસુલાત અધિકારી (એસ.આર.ઓ.) તેઓને મળેલ સત્તાઓ દ્વારા બેંકના ગીરોમાં રહેલ સ્થાયી મિલકતો તથા થાલમાં/તારણમાં રહેલ અસ્થાયી મિલકતોનું કાયદાની જોગવાઈઓ મુજબ વેચાણ પ્રક્રિયા કરી મુદતવીતી રકમ વસુલ કરે છે.

બેંક દ્વારા કૃષિ અને કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે. જે મહદ્દઅંશે વરસાદ અને કુદરતને આધારિત છે. તેથી સ્વાભાવિક છે કે બેંકની વસુલાત તેનાથી પ્રભાવિત થાય અને વસુલાતની અનિશ્ચિતતા રહે. આ સિવાય દુષ્કાળ, કુદરતી આફતો, ગામડાઓનું નબળું અર્થતંત્ર, રીઢા બાકીદારો, બાકીદારોનો સમયસર સંપર્કનો અભાવ, લોનનો દુરુપયોગ , ધિરાણની ખામીયુક્ત પદ્ધતિ જેવા પરિબળો પણ બેંકના ધિરાણ મુદતવીતી થવા માટે જવાબદાર છે. તેમ છતાં બેંક દ્વારા કરવામાં આવતા શ્રેષ્ઠ પ્રયત્નોથી મુદતવીતી રકમની વસુલાત કરી બેંકનું આર્થિક ચક્ર ખુબ જ સારી રીતે ચલાવવામાં આવે છે.