બેંક દ્વારા ઉત્પાદકીય હેતુઓ માટે ધિરાણ આપવાની નીતિનો અમલ થાય છે. બેંક દ્વારા ખેડૂતોને આપવામાં આવતા ધિરાણથી ખેડૂતની આર્થિક ક્ષમતામાં વધારો થાય છે કે કેમ ? તથા જે હેતુ માટે ધિરાણ આપવામાં આવે તે હેતુ આર્થિક રીતે પોષણક્ષમ છે કે નહિ? તકનીકી રીતે યોગ્ય છે કે નહિ? તથા ખેડૂતની આવકમાં કેટલો વધારો થશે? ખેડૂત સમયસર બેંકનું ધિરાણ પરત ભરી શકશે કે નહિ? તેવા જુદા જુદા પાસાઓની ચકાસણી કરવામાં આવે છે, ખેડૂતની જમીન કેટલી છે, તેની બેંક દ્વારા નક્કી થયેલ હેક્ટર દીઠ આકારણી કિંમતના આધારે પણ ધિરાણ પાત્રતા નક્કી કરવામાં આવે છે આવા માપદંડોથી ચકાસણી કર્યા બાદ ધિરાણ પાત્રતા અને ધિરાણ મંજુરી અંગે નિર્ણય કરવામાં આવે છે.
જયારે ધિરાણની માંગણી પાતાળકુવા, ટ્રેક્ટર, લીફ્ટ ઈરીગેશન , માર્કેટયાર્ડ, નવીન મકાન, ગોડાઉન, વિગેરે જેવા હેતુઓ માટે મોટી રકમની હોય ત્યારે એકમ દીઠ અને વ્યક્તિદીઠ આર્થિક ક્ષમતા ચકાસવામાં આવે છે. બેંક દ્વારા ખેતીની જમીન સુધારણા, કૃષિ અને કૃષિને આનુષાંગિક હેતુઓ જુદા-જુદા ૬૧ થી પણ વધુ હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે બેંકે ગ્રામ્ય કારીગરો અને હસ્તકલા કારીગરો વિગેરેને નોન-ફાર્મ સેક્ટર અંતર્ગત પણ ધિરાણ આપવાનું શરુ કરેલ છે. બેંક દ્વારા ગ્રામ્યકક્ષા એ નવીન - મકાન બનાવવા માટે તથા મધ્યમ મુદત માટે કિસાન ક્રેડીટકાર્ડ નુ ધિરાણ આપવાનું પણ શરુ કરાયેલ છે.
બેંકના ધિરાણથી ઉભી કરાયેલ મિલકત કે સુધારણા નું આયુષ્ય કેટલા વર્ષ નું છે? તથા તેમાંથી થનાર આવકના અંદાજો ને આધારે ધિરાણની મુદત નક્કી કરવામાં આવે છે. ધિરાણની મુદત તથા પદ્ધતિઓ અંગે નાબાર્ડ દ્વારા વખતો વખત આપવામાં આવતી માર્ગદર્શિકાઓનો અમલ કરવામાં આવે છે ધિરાણ ની સુરક્ષા માટે ખેડૂતની જમીન તથા ધિરાણ થી ઉભી કરયેલ મિલકતો ગીરો/તારણમાં લેવામાં આવે છે.